'અભ્યારણ્ય'

'વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો,વનો, ને છે વનસ્પતિ’ -ગીરનું જંગલ

Tag Archives: ગુજરાત

એક અપંગ શાંતિદૂતની આજીજી…

ખુલ્લા વિશાળ ગગનમાં વિહરવાની,હવાની લહેરકીઓ પર સવારી કરવાની,અને ઊંચેથી ધરતીમાતા નિહાળવાની રોજનીશી એજ પક્ષીમાત્રનો જીવનધર્મ.હું મારા આખાયે મિત્ર મંડળમાં સૌથી વધૂ કુશળતાથી ઉડનારો.મારો પરિવાર એટલે મારી જીવનસંગિની અને નાનાં-નાનાં ત્રણ ભૂલકાં,દૂર-દૂર શહેરમાં ઊડીને મારા બચ્ચાઓ માટે ચણ ભેગું કરતો.સુરતમાં વિશ્વશાંતિના દૂત એવા જવાહરલાલ ઉદ્યાન એટલે કે ચોપાટીમાં મારો માળો.મારા બચ્ચાને નવાં નવાં પીંછા આવ્યા ત્યારે મારો આનંદ છુપાવી શકાય તેમ ન હતો.આખો દિવસ વારા-ફરતી અમે બન્ને માતા-પિતા ચણ લાવી ખવડાવામાં વિતાવી દેતા.અને જ્યારે બચ્ચાઓએ પહેલી વાર પાંખ ફેલાવીને ફફડાવી ત્યાંરેતો મારી આંખો આનંદથી ભીની થઈ ગઈ !

આ અવસરને ઉજવવા મેં શહેરમાં જ્યાં પેલા દાદાજી રોજ સવારે તેમની અગાશી જુવારથી ભરી દે છે ત્યાં જઈ ખૂબ દાણા ભેગા કરી આવવાનું મન બનાવ્યું.વહેલી સવારની પહેલી સૂર્ય કિરણે જ્યાંરે મારા ઘરને આશિર્વાદ આપ્યા,ત્યાંરે હું મારા ત્રણેય ભૂલકાંને હેતથી ભેટ્યો અને ‘હું આ ગયો અને આ આવ્યો’ એમ કહી ઊમંગ ભરી ઉડાન લીધી અને શહેર તરફ નિકળ્યો. “આંખમાં આશા અને પાંખમાં ઉત્સાહ” ભરી મેં તાપીમાતાને કાંઠે -કાંઠે થઈ ખુલ્લી વાટ પકડી.

મેં જોયું કે આજે કંઇક અલગ જ માહોલ હતો.અજવાળું હજી માંડ થયું હતું અને શહેરમાં જ્યાં જુઓ ત્યાં લોકો અગાશી પર દેખાવા લાગ્યાં ! હું વિસ્મયમાં પડ્યો,કારણ રોજ તો આ સૂની અગાશીઓ ઉપર તો અમારુ એટલે કે પંખીઓનું જ રાજ હોય !હું શહેરમાં ગોપીપુરા પાસે હજી પહોંચું ત્યાં તો આખાય પરિવાર સહિત લોકો અગાશીમાં ખાવાનો સામાન અને વાજીંત્રો લઈ કબજો કરી બેઠા.તેમનાં  શોર-બકોર અને ગીત-સંગીતના ઘોંઘાટથી તો અમારા પક્ષીજગતમાં જાણે કોલાહલ મચી ગયો ! અચાનક જ જાણે રણનાદો કરતું કોઇક સૈન્ય અમારી ભૂમિ પર ઘસી આવ્યું હોય તેવો ભાસ થવા માંડ્યો.

અને તેવામાં અચાનક જ ધ્રાસકો પડે તેવા હથિયારો વડે આ સૈન્યએ અમારી ઉપર હુમલો બોલાવ્યો.ધારધાર એવા કાંચ  જડેલા દોરા તલવારની જેમ અહીં-તહીં વીંઝવા માંડ્યા.પાંખ વગરના રંગબેરંગી પતંગોથી આકાશ છાવાઈ ગયું .મારા અનેક મિત્રો આ દોરાની અડફેટે આવવા લાગ્યાં.ચારે તરફ અવાજ ભયાનાક દૃશ્ય.દોરાની ધાર એટલી તેજ હતી કે મારી સાથેના એક મિત્રપંખીની તો આંખી પાંખ જ ધડથી જુદી થઈ ગઈ.એક ઝાટકામાં !તેનું લોહી-લુહાણ શરીર નીચે જમીન તરફ ફંગોળાયું અને જમીન પર પટકાતાની સાથે જ નિષ્પ્રાણ થઈ પડ્યું !

હું અને મારી સાથેના બધા જ પારેવાઓ ભયથી ધ્રુજી ઊઠ્યાં.ડરના માર્યા વેર-વિખેર થઈ ઉડ્યાં..પણ જ્યાં જુઓ ત્યાં આજ કાતિલ દોરા ! અહીં કત્લેઆમ શરૂ થયો અને  તેવામાં અગાશી પરથી લોકો ચીચીયારીઓ કરતા અવાજો કરવા લાગ્યાં.જાણે કોઇ તિરંદાજે આબાદ નિશાન પાડ્યું હોય તેમ પંખી કપાવા લાગ્યાં અને ‘કાપ્યો છે !’ એવા નાદો ઉઠવા માંડ્યા.

મેં મારી બધી હિંમત ભેગી કરી મનમાં મારા માળાનું દૃશ્ય સ્મરણ કર્યું,અને પ્રભુનું નામ લઈ પરત જવા ઉડ્યો.અસંખ્ય કાતિલ દોરાઓથી બચતો બચાવતો હું ફરી તાપીમાતાને કિનારે પહોચ્યોં,અને થોડો રાહતનો શ્વાશ લીધો,ત્યાં તો નીચે જોઇ હું હેબતાઇ જ ગયો ! નદીના કાંઠે અસંખ્ય બગલાઓના શ્વેત શરીર લોહીથી લાલચોળ થઈ પડ્યા હતા અને તાપીમાતાના પાણીમાં મારા ભાઈ-બહેનોની હત્યાનો લાલ લીસોટો જાણે ચાલી નિકળ્યો.હું કંપી ઉઠ્યો બસ ! હવે તો બાકીનું અંતર હેમખેમ  કાપી માળા સુધી પહોંચી જાવ એજ જીવન લક્ષ્ય બની ગયું ! અને સાવચેતીથી ઉડતા ઉડતા મારી નજર નહેરૂચાચાના નામથી જાણીતા ઉદ્યાનના હરિયાળા પટ્ટા ઉપર પડી એટલે મારી પાંખોમાં બમણું જોર આવ્યું.

મેં સાવચેતીથી મારા માળા તરફ વળાંક લીધો અને પેલા ગુલમહોર અને નીલગીરીના વૃક્ષોની વચ્ચે થઈ મારા માળા તરફ વધ્યો,ત્યાંજ મારા પગમાં કઈક ભેરવાયું  અને મને જબરજસ્ત આંચકો લાગ્યોં.જોયું તો સોનેરી રંગનો ચમકતો દોરો.ગભરાઈને વધૂ જોરથી પાંખો વીંઝીં કે દોરાને તોડીને ઉડી જાઉં,ત્યાં તો દોરો મારા પગને જકડી વળ્યો.મારૂ આખું શરીર ઊંધૂ થઈ દોરા વડે નીલગીરીના વૃક્ષની એક ટોચની ડાળ  સાથે જઈને પછડાયું.

દોરો કાઢવાની કોશીષમાં દોરો પાંખમાં ભેરવાયો .મારૂ બધૂ જ જોર લગાવી મેં દોરો ખેંચ્યો ત્યાં દોરો જાણે લાંબો થતો હોય તેમ વધ્યો અને ફરી મારી પાંખને  વૃક્ષ તરફ ખેંચી ગયો,અને ‘ખચ્ચ્‌’ કરી મારા ખભામાં ચીરો કરી ઊંડે ઉતરી ગયો.મારા જ લોહીની પિચકારીથી મારું શરીર તર થઈ ગયું.મારૂં જોર ખૂટ્યું અને સામેની જ અભરાઈએ આવેલા મારા માળાથી માત્ર થોડી જ દૂર નીલગીરીના વૃક્ષની ટોચ પર હું ઊંધે માથે લોહી નિકળતી હાલતમાં નિસહાય થઈ લટકી પડ્યોં.મારી આંખોમાંથી તેજ ઓછું થવા લાગ્યું અને હું બેહોશ થઈ ગયો.

આંખ ખુલી ત્યાંરે હું હોસ્પિટલમાં હતો.મારી પાંખો આખા શરીર ફરતે વિટાળેલા સફેદ પાટામાં દબાયેલી હતી અને ખભા પરથી લોહી નિકળીને ગંઠાઈ ગયું હતું.દર્દ તો અસહ્ય એટલું કે જાણે હું બેહોશ થઈ જઈશ એમ લાગ્યું.હું રડી ઉઠ્યો.મારા પરિવારજનો યાદ આવ્યા, પણ અફસોસ હું ઉડવાને અસમર્થ હતો.

ત્યાંજ બે માણસો મારી નજીક આવ્યા.મેં એમને કહેતા સાંભળ્યા કે …આ પારેવું ચોપાટીના પેલા નીલગીરીના ઊંચા વૃક્ષ પર ‘નાયલોન’ દોરામાં લટકી પડ્યું હતું.રોજ સવારે મોર્નિંગવૉક કરવા આવતા પેલા દાદાજીઓને નજરે ચડ્યું અને તેમણે ‘પ્રયાસ’ સંસ્થાની હેલ્પલાઈન પર ફોન કર્યો. ‘પ્રયાસ’ના સ્વયંસેવકો ફાયરબ્રિગેડના જવાનો સાથે ઊંચી સીડી લઈને ઘસી ગયા અને મહામહેનતે આને બચાવ્યું છે. પણ તેની જમણી પાંખના ખભાનું હાડકું કપાઈ ગયું છે. ઘા રૂઝાતા  બે મહિના તો થઈ જશે પણ હવે આ ક્યાંરેય ઉડી નહીં શકે.

મારૂં જીવન જાણે નર્ક થઈ ગયું.મારા વગર વિલખતા મારા પરિવારજનો ,મારા નાના ભૂલકા અને મારી જીવનસંગિની બધા જ મને ખૂબ યાદ આવે છે.હું કેવી રીતે આ માણસોને સમજું ? એક કાપે અને બીજો બચાવે ? અને હું કેવી રીતે આ માણસોને સમજાવવું ? કે પંખીની તો પાંખ જ તેનું જીવન.

હું સુનમુન ઉદાસ હોસ્પિટલની ઓરડીમાં રહેવા માંડ્યો.મને જરૂરી સારવાર તથા ખવાપીવા મળવા માંડ્યું એટલે પાંખનો ઘા તો રૂઝાઈ ગયો,પણ મારી ઉડાન છીનવાય જવાથી હ્રદય પરનો ઘા કેવી રીતે ભરાય ! અને વળી મારા પરિવારજનોથી વિખૂટા પડવાનો આઘાત , છે કોઈ દવા ?

‘પ્રયાસ’ના સ્વયંસેવકોને ફરીથી આ પંખીઓના કતલના દિવસ ‘ઉત્તરાયણ’ માં હજારો પંખીઓને બચાવવાની તડામાર તૈયારીઓ જોઈ મનમાંથી એક જ આજીજી ઊઠે છે…

જો ફરી ચોપાટી માંથી કૉલ આવે તો જરા પેલા નીલગીરીની વૃક્ષની સામેના મકાનની અભરાઈ પર નજર કરશો ? મારી જીવનસંગિની અને મારા નાનાં ભૂલકાં..!

««««««««««««««««««««««««««««««««««««««««««««»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»

આ પ્રતિજ્ઞા અવશ્ય કરો :

  • પતંગ ચગાવી કોઇ નિર્દોષ વ્યક્તિ કે પંખીના મોતનું કારણ નહીં બનીશ.
  • કાચવાળો દોરો નહીં વાપરીશ.
  • ચાયનીઝ (નાયલોન) દોરો નહીં વાપરીશ.
  • ઉત્તરાયણ પછી ઘરની અગાશી તેમજ આસપાસના વૃક્ષો પરથી પતંગના દોરા ખેંચી લઈ સફાઈ કરીશ.

ઉત્તરાયણમાં દોરાથી ઘાયલ અથવા લટકતું પક્ષી દેખાય તો સંપર્ક કરો :

હેલ્પલાઈન નંબર :-  ૯૮૨૫૧ ૧૯૦૮૧

(પ્રયાસ) વેબસાઈટ :- http://www.prayas-india.org

આર્ટિકલ સ્ત્રોત :- ‘પ્રયાસ’ સંસ્થા (PDF file)

પડકું-ફુરસો (ઝેરી સાપ)

પડકું અથવા ફુરસો અથવા ફોડસી

અંગ્રેજી ભાષામાં Indian Saw Scaled Viper (ઇન્ડિયન શો સ્કેલ્ડ વાઈપર) ઓળખાતા આ સાપને ગુજરાતના જુદા જુદા પ્રદેશોમાં પડકું,ફુરસો કે ફોડસી નામથી ઓળખવામાં આવે છે.પરંતુ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પડકું નામથી ઓળખવામાં આવે છે.તેથી પડકું શબ્દપ્રયોગ કરવામાં આવ્યો છે.
પડકું વાઈપર પરિવારનો એક ઝેરી સાપ છે.તેનો સમાવેશ પેટ વડે ઘસડાયને ચાલતા સરીસૃપ પ્રાણીઓના વર્ગમાં થાય છે.પડકું ભારત સહિત શ્રીલંકા,બાગ્લાદેશ,પાકિસ્તાન,અફઘાનિસ્તાન તથા એશિયાના રણપ્રદેશો,મેદાની પ્રદેશો અને પહાડી પ્રદેશોમાં જોવા મળે છે.ભારતમાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર,રાજસ્થાન,તમિલનાડુ,આંધ્રપ્રદેશ અને પંજાબના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે.

પડકું / ફુરસો/ ફોડસી

પડકું ખૂબ જ નાના કદનો સાપ છે.ગુજરાતમાં જોવા મળતા ચાર ઝેરી સાપ નાગ,ખાડચિતારો,કાળોતરો અને પડકું છે ,તેમાં પડકું સૌથી ઓછી લંબાઈ ધરાવે છે.સામાન્ય રીતે તેની લંબાઈ ૩૫ સે.મી થી ૮૦ સે.મી (૧.૫ ફૂટ) જેટલી હોય છે.નર કરતા માદા પડકાની લંબાઈ વધૂ હોય છે.પડકું વિશિષ્ટ શારીરિક બંધારણ ધરાવે છે.તેનું મોઢું ગર્દનથી અલગ તરી આવે છે એટલે કે સ્પષ્ટ જોઇ શકાય છે.તેની આંખો બહાર નિકળેલી અને મોટી હોય છે.તેનું મોઢું નાનુ અને ગોળાકાર હોય છે.જેથી ખાડચિતાડા અને પડકું વચ્ચેનો ભેદ પારખી શકાય છે.પડકાની શરીરની ત્વચા વિચિત્ર છે.શરીરની ઉપરની ત્વચા સામન્યતઃ ઘઉંવર્ણી,ભૂખરા રંગ સાથે પીળાશ પડતી વારાફરતી એક બાજુ થી બીજી બાજુ મરડાતી વિશિષ્ટ પ્રકારની પોપડીઓ વાળી પેટર્ન ધરાવે છે.જ્યાંરે શરીરની નીચેની ત્વચા સ્વચ્છ સફેદ સાથે ઘઉંવર્ણી હોય છે.તેની પૂંછડી ટૂંકી અને જાડી હોય છે.પડકું મનુષ્યની ખૂબ જ નજીક રહે છે.તેનું શરીર ટૂંકું હોવાથી સરળતાથી નજરમાં આવતુ નથી.

પડકું / ફુરસો / ફોડસી

પડકું એક નિશાચર પ્રાણી છે એટલે કે રાત્રીના સમયે વધારે સક્રિય હોય છે.જો કે શિયાળો તથા ચોમાસાની ઠંડી ઋતુઓમાં ધૂપ શેકવા એટલે કે સૂર્યપ્રકાશમાંથી એનર્જી મેળવવા દિવસે બહાર આવે છે.સામાન્ય રીતે સૂકા તથા રેતાળ વિસ્તારો,પથ્થરના મેદાનો કે પહાડી વિસ્તારોમાં રહે છે.તે પથ્થરોની નીચે,વૃક્ષની જાળીઓ કે ઝાડની ઉખડી છાલમાં ગુપ્ત જગ્યાએ રહેઠાણ બનાવે છે.પડકાનો ખોરાક ઉંદર,કાચિંડો,ગરોળી જેવા નાના પ્રાણીઓ તથા વીંછી જેવા અન્ય નાના જીવજંતુઓ છે.
માદા પડકું એપ્રિલ થી ઓગષ્ટ મહિનાની વચ્ચે ૪ થી ૮ બચ્ચાને જન્મ આપે છે.જન્મેલા બચ્ચાની લંબાઈ વધૂમાં વધૂ ૮ સેં.મી જેટલી હોય છે.પડકું ઈંડા મૂક્તો સાપ નથી.
પડકું વાઈપર પરિવારનો સૌથી ઝેરી સાપ છે.છતા તેનું ઝેર ભાગ્યે જ જીવલેણ સાબિત થતુ હોય છે.તેનું ઝેર મનુષ્યના શરીરમાં લોહીનો પ્રવાહ રોકી દે છે.એટલે કે લોહીને જમાવી દે છે.આજના આધૂનિક યુગમાં તેના ઝેરનો ઈલાજ સરળતાથી થઈ શકે છે.અન્ટી વિનમ ઈન્જેક્શન,વિટામીન K ,કૅલ્શિયમ કાર્બોનેટ દ્વારા ઇલાજ શક્ય છે.પડકું કરડવાનું પ્રથમ લક્ષણ થાક લાગવો,દંશની જગ્યાએ સામાન્ય બળતરા થવી ,સોજો આવવો તથા લોહી ઉપસી આવવું.કોઈ પણ પ્રકારના પ્રયોગ કે ભૂવા-ભારડીના વહેમમાં પડ્યા વગર દર્દીને ડૉક્ટરી સારવાર આપવી જોઇએ.

કોઇ પણ સાપ સામાન્ય ઘાયલ હોય તો,કોઇ પણ પ્રકારની પાટાપીંડી કર્યા વગર તેના કુદરતી પર્યાવરણમાં મૂક્ત કરવો હિતાવહ છે.જેથી તે ઘાયલ શરીરને ધૂળમાં રગદોડી શકે.

એક ગુલાબ હતુ

ઓલપાડ............. 23 મેં, 2010

પ્રભાતે   છોડ  પર  એક  ગુલાબ  હતુ,

એની પર ભમરાનું અદ્‍ભુત ગુંજન હતુ,

બપોરે   થતા  માત્ર  એક   છોડ  હતું,

સાંજે ન પૂછ મને…!એક શીશીમાં હતું.

-રાજની ટાંક

ગુજરાત અસ્મિતા મંચ (તસ્વીર બોલે છે)

સુરતના રીંગરોડ પર ઠેર ઠેર નીચે મુજબના બેનરો  ચોંટાડવામાં આવ્યા છે.

This slideshow requires JavaScript.

આસ્થા,ગરમી,જીવસૃષ્ટી અને લૈલા

છેલ્લા બે દિવસથી પડી રહેલી ગરમી,યુગો યુગોથી ચાલતી આવતી ભારતીયોની આસ્થા,જીવસૃષ્ટી પર ગરમીની  અસર અને ‘લૈલા મેં લૈલા… ઐસી મેં લૈલા ,મજનું બાનાદુ……..’એટલે કે લૈલા નામનું સમુદ્રી તોફાન,

શરુવાત આસ્થાથી કરીએ.ભારતના મોટાભાગના ઘરોમાં સવારમાં ઉઠીને.. જે કામ છે તે પતાવ્યા બાદ,એક તાંબા-પિત્તળનો પાણીનો લોટો ભરીને… એક પગ અથવા બેય પગે ઉભા રહીને… ઊગતા સૂર્યને પાણી રેડે છે…શું ફાયદો થાય છે તે હજુ સસ્પેન્સ છે. હા ..! પાણીનો બગાડ થાય તે ચોક્કસ છે.વિચાર બહું ઉચો કરુ છું…લગભગ ૧ ઘર દિઠ ૧ લિટર પાણીઓ બગાડ સૂર્યને પાણી રેડીને કરવામાં આવે ,તો વિચારવાનું રહ્યુ કે આશરે  ૧૨૫ કરોડની વસ્તી ધરાવતા ભારત જેવા ધાર્મિક દેશમાં એક દિવસમાં કેટલા લિટર પાણીનો બગાડ થતો હશે ? ઉનાળામાં મ્યુનિસિપાલ્ટીના નળે લાંબી લાઈનો લગાવીને ઊભા રહે છે.ઘણી વખત પાણી બાબતે  હિંસા પણ ફાટી નિકળે છે.જે બેડુ લઈને પાણી ભરવા આવે છે તે બેડાના ઘા પણ થતા હોય છે.પણ સૂર્યને તો પાણી રેડવાનું જ…હા,પણ આ આપણા સૂર્યદેવતા તો દિવસેને દિવસે ગરમ થતા જાય છે ભાઈ ..!તેનું શું કરીશુ ?હવેથી જે લોકો સૂર્યને પાણી રેડે છે તેઓ કાલથી ફ્રિઝનું ઠંડુ પાણી રેડે..કદાચ સૂર્યદેવતા ઠંડા પડી જાય..! ;-)આટલી સખ્ત ગરમી અને ઉકળાટો છે છતા લોકો શાંતિહોમના જૂના ધતિંગો કરે છે.ઘરોમાં એવા ઘુવાડાઓ કરે છે જાણે ગ્લોબલ વોર્મિગના આત્મવિશ્વાશમાં વધારો કરતા ના હોય…!બીજા દિવસે ઠો ઠો કરતા કરતા  હોસ્પિટલમાં ગ્લુકોઝના બાટલા ચડતા હોય તે અલગ .હદ તો ત્યારે થાઈ જ્યારે  હવનકૂંડને (આજ કાલ લોંખંડના યુઝ થાય છે) ઘરના આંગણામાં મૂકવામાં આવે અને પછી તેના પર આંગણાનો જ કૂતરો ઉંચો ટાટીયો કરે. આ સાધુ-સંતો ગ્લોબલ વોર્મિગ વિષે કશું જાણતા હોતા નથી.બસ,નદીમાં મારા નામની  ડુબકી લગાવતા આવડે છે.યાદ રાખજો ‘ત્રીજુ વિશ્વયુદ્ધ પાણીના નામે થવાનું છે’ .ઘૂવડને સૂર્ય નથી દેખાતો,તે વાત સાચિ છે.. પણ અંધારુ માત્ર તેને જ દેખાય છે.મનુષ્ય દિવસના અજવાળામાં ભટકાય છે..તેમા અંધારાની શું વાત કરુ ?બાકી સંસ્કૃતિના નામે ગ્લોબલ વોર્મિગનું બલિદાન આપવાની છૂટ છે.ઈઝરાયલ જેવા દેશે રણને જંગલ બનાવ્યુ અને આપણે જંગલને રણ..

એક પ્રાચિન ભજન છે..

“ન જોઈ  હોય તો, જોઈ લો  ભાઈઓ ,

આ    છે  કળયુગની  એંઘાણી   રે..”

-અજ્ઞાત

આ ભજનનું મારા એક મિત્રએ પ્રતિભજન બનાવ્યુ..

“ન જોઈ  હોય તો, જોઈ લો ભાઈઓ ,

આ છે ગ્લોબલ વોર્મિગની એંધાણી રે..”

હજૂ મારા તે મિત્રને ગ્લોબલ વોર્મિગની એંધાણી જ લાગે છે.અરે મિત્ર…! આ જ ગ્લોબલ વોર્મિગ છે ભાઈ…!

દેખાતુ નથી…?તારીખ ૧૯ મેં ૨૦૧૦ના દિવસે તાપમાન.. ૪૬ ડિગ્રી સેં. પાર થઈ ગયુ છે.પાછલા રેકોર્ડ તુટતા જાય છે.લૈલાની લીલાથી પણ વાકેફ હશો..!બંગાળની ખાડીમાંથી જન્મેલુ લૈલા નામનું તોફાન ,આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળને ચાટીને નિકળી ગયુ..ભય તો હજૂ પણ યથાવત જ છે.. ચિલીના ભૂકંપને વધારે દિવસો નથી થયા..!જંગલોમાં આગ લાગવની ખબરો બ્રેકીંગ ન્યૂઝ છે.

ઘણા વાહલા મિત્રો કહે છે કે પર્યાવરણવાદીઓને વન્ય પ્રાણીપક્ષીઓની ચિંતા છે,સર્કસમાં કામ કરતા બાળકોની ચિંતા નથી..આવા લોકો ગરમીથી બચવા બરાડા પાડીને વિદેશના પ્રવાસે નિકળી જાય છે.આવા લોકોને પર્યાવરણની શું પડી હોય..?હું પણ જાણુ છુ કે ગ્લોબલ વોર્મિગને રોકવાના બધા જ દરવાજા લગભગ બંધ થઈ ગયા છે.પણ હું અંત સુધી મારો પ્રયાસ ચાલુ રાખીશ.પછી ભલે પાણી પ્લાસ્ટિકની બોટલોમાં સાચવ’વું પડે..! “જાગ મનવા ! નહીંતર હવે કુદરત જાગી રહી છે”

પાછલા બે દિવસમાં એટલી બધી સખ્ત ગરમી પડી રહી છે કે કોઈ પણ જીવ તેમાંથી બકાત રહી શકે તેમ નથી.મનુષ્ય માટે મોદીકાકાએ ૧૦૮ની સારી સગવડ કરી છે.પ્રાણીપક્ષીઓ રજડી પડ્યા છે.ગિરમાં સિંહોની સંખ્યા વધીને ૪૧૧ જેટલી થઈ તો ગઈ,પણ તેમને ખાવા-પિવા શું આપશો ?બાજરાના રોટલા અને ઓળો ચાલશે ?

રિક્યુડ ૧૮ મેં ૨૦૧૦

સુરતમાં એક જ દિવસમાં ખૂદ મારા હાથમાં ગરમીને લીધે મરી ગયેલા પક્ષીઓનો જથ્થો આવ્યો છે.તેમાં સૌથી વધૂ કાગડાઓ છે. ૪૨ ડિગ્રી સેં. જેટલુ તાપમાન પક્ષીનો સહન કરી શક્તા નથી.અસહ્ય ગરમીને લિધે પક્ષીઓને  ડિ-હાઈડ્રેશન થઈ જાય છે.પરિણામે પક્ષી બેભાન થઈ જાય છે અને અંતે મૃત્યુ પામે છે.નદી-નાળાઓ પણ ભારત જેવા ધાર્મિક દેશમાં ગંદા થઈ ગયા છે..આખરે ઠંડક ક્યાંથી મેળવે આ પક્ષીઓ ?

ગરમીના લિધે ઘાયલ થયેલા પક્ષીની પ્રાથમિક સારવાર : સૌપ્રથમ પક્ષીના મોં પર ગુલાબ જળ નાખવું, જેથી તેના શરીરમાં ઠંડક પ્રશરી જાય..વધૂ કોઈ પ્રયોગ કર્યા વગર નજીકની એનિમલ્સ કે બર્ડની હોસ્પિટલ અથવા  પ્રાણીપક્ષીઓ માટે સેવા આપતી સંસ્થાનો સંપર્ક કરવો…અને એક ખાસ વાત કે ‘મારા છોકરાને આ પક્ષી ખૂબ જ ગમે છે એટલે અમે ઘરે સાચવી રાખીશું’….આવો  ખતરનાક વિચાર તમારા મનમાં હોય તો કાઢી નાખજો..આ ઘટના મારી સાથે ઘણી વખત બની છે..ઘણી વખત ઝઘડાઓ પણ થયા છે..પક્ષીનોનું સ્થાન પાંજરામાં કે ઘરોમાં નથી…તમારા છોકરાઓને રમવા માટે રમકડા બજારમાં મળે છે..તે પણ ખૂબ જ સસ્તા,  દાણચોરીના.

ગરમીથી ઘાયલ પક્ષીઓ માટે ફોન કરો (માત્ર સુરત શહેર)

” સુરત નૅચર કલ્બ “

  • ૯૮૨૫૪૮૦૯૦૮
  • ૯૯૭૯૭૩૦૦૩૬

નોંધ :- તમારા શહેરમાં ઘાયલ પક્ષીઓ  માટે સેવા આપતી  સંસ્થાનો સંપર્ક  હોય તો મને ઈ-મેઈલ કરો  અથવા અહી કમેન્ટ સ્વરૂપે લખી શકો.

%d bloggers like this: