'અભ્યારણ્ય'

'વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો,વનો, ને છે વનસ્પતિ’ -ગીરનું જંગલ

Category Archives: ગુજરાત

એક અપંગ શાંતિદૂતની આજીજી…

ખુલ્લા વિશાળ ગગનમાં વિહરવાની,હવાની લહેરકીઓ પર સવારી કરવાની,અને ઊંચેથી ધરતીમાતા નિહાળવાની રોજનીશી એજ પક્ષીમાત્રનો જીવનધર્મ.હું મારા આખાયે મિત્ર મંડળમાં સૌથી વધૂ કુશળતાથી ઉડનારો.મારો પરિવાર એટલે મારી જીવનસંગિની અને નાનાં-નાનાં ત્રણ ભૂલકાં,દૂર-દૂર શહેરમાં ઊડીને મારા બચ્ચાઓ માટે ચણ ભેગું કરતો.સુરતમાં વિશ્વશાંતિના દૂત એવા જવાહરલાલ ઉદ્યાન એટલે કે ચોપાટીમાં મારો માળો.મારા બચ્ચાને નવાં નવાં પીંછા આવ્યા ત્યારે મારો આનંદ છુપાવી શકાય તેમ ન હતો.આખો દિવસ વારા-ફરતી અમે બન્ને માતા-પિતા ચણ લાવી ખવડાવામાં વિતાવી દેતા.અને જ્યારે બચ્ચાઓએ પહેલી વાર પાંખ ફેલાવીને ફફડાવી ત્યાંરેતો મારી આંખો આનંદથી ભીની થઈ ગઈ !

આ અવસરને ઉજવવા મેં શહેરમાં જ્યાં પેલા દાદાજી રોજ સવારે તેમની અગાશી જુવારથી ભરી દે છે ત્યાં જઈ ખૂબ દાણા ભેગા કરી આવવાનું મન બનાવ્યું.વહેલી સવારની પહેલી સૂર્ય કિરણે જ્યાંરે મારા ઘરને આશિર્વાદ આપ્યા,ત્યાંરે હું મારા ત્રણેય ભૂલકાંને હેતથી ભેટ્યો અને ‘હું આ ગયો અને આ આવ્યો’ એમ કહી ઊમંગ ભરી ઉડાન લીધી અને શહેર તરફ નિકળ્યો. “આંખમાં આશા અને પાંખમાં ઉત્સાહ” ભરી મેં તાપીમાતાને કાંઠે -કાંઠે થઈ ખુલ્લી વાટ પકડી.

મેં જોયું કે આજે કંઇક અલગ જ માહોલ હતો.અજવાળું હજી માંડ થયું હતું અને શહેરમાં જ્યાં જુઓ ત્યાં લોકો અગાશી પર દેખાવા લાગ્યાં ! હું વિસ્મયમાં પડ્યો,કારણ રોજ તો આ સૂની અગાશીઓ ઉપર તો અમારુ એટલે કે પંખીઓનું જ રાજ હોય !હું શહેરમાં ગોપીપુરા પાસે હજી પહોંચું ત્યાં તો આખાય પરિવાર સહિત લોકો અગાશીમાં ખાવાનો સામાન અને વાજીંત્રો લઈ કબજો કરી બેઠા.તેમનાં  શોર-બકોર અને ગીત-સંગીતના ઘોંઘાટથી તો અમારા પક્ષીજગતમાં જાણે કોલાહલ મચી ગયો ! અચાનક જ જાણે રણનાદો કરતું કોઇક સૈન્ય અમારી ભૂમિ પર ઘસી આવ્યું હોય તેવો ભાસ થવા માંડ્યો.

અને તેવામાં અચાનક જ ધ્રાસકો પડે તેવા હથિયારો વડે આ સૈન્યએ અમારી ઉપર હુમલો બોલાવ્યો.ધારધાર એવા કાંચ  જડેલા દોરા તલવારની જેમ અહીં-તહીં વીંઝવા માંડ્યા.પાંખ વગરના રંગબેરંગી પતંગોથી આકાશ છાવાઈ ગયું .મારા અનેક મિત્રો આ દોરાની અડફેટે આવવા લાગ્યાં.ચારે તરફ અવાજ ભયાનાક દૃશ્ય.દોરાની ધાર એટલી તેજ હતી કે મારી સાથેના એક મિત્રપંખીની તો આંખી પાંખ જ ધડથી જુદી થઈ ગઈ.એક ઝાટકામાં !તેનું લોહી-લુહાણ શરીર નીચે જમીન તરફ ફંગોળાયું અને જમીન પર પટકાતાની સાથે જ નિષ્પ્રાણ થઈ પડ્યું !

હું અને મારી સાથેના બધા જ પારેવાઓ ભયથી ધ્રુજી ઊઠ્યાં.ડરના માર્યા વેર-વિખેર થઈ ઉડ્યાં..પણ જ્યાં જુઓ ત્યાં આજ કાતિલ દોરા ! અહીં કત્લેઆમ શરૂ થયો અને  તેવામાં અગાશી પરથી લોકો ચીચીયારીઓ કરતા અવાજો કરવા લાગ્યાં.જાણે કોઇ તિરંદાજે આબાદ નિશાન પાડ્યું હોય તેમ પંખી કપાવા લાગ્યાં અને ‘કાપ્યો છે !’ એવા નાદો ઉઠવા માંડ્યા.

મેં મારી બધી હિંમત ભેગી કરી મનમાં મારા માળાનું દૃશ્ય સ્મરણ કર્યું,અને પ્રભુનું નામ લઈ પરત જવા ઉડ્યો.અસંખ્ય કાતિલ દોરાઓથી બચતો બચાવતો હું ફરી તાપીમાતાને કિનારે પહોચ્યોં,અને થોડો રાહતનો શ્વાશ લીધો,ત્યાં તો નીચે જોઇ હું હેબતાઇ જ ગયો ! નદીના કાંઠે અસંખ્ય બગલાઓના શ્વેત શરીર લોહીથી લાલચોળ થઈ પડ્યા હતા અને તાપીમાતાના પાણીમાં મારા ભાઈ-બહેનોની હત્યાનો લાલ લીસોટો જાણે ચાલી નિકળ્યો.હું કંપી ઉઠ્યો બસ ! હવે તો બાકીનું અંતર હેમખેમ  કાપી માળા સુધી પહોંચી જાવ એજ જીવન લક્ષ્ય બની ગયું ! અને સાવચેતીથી ઉડતા ઉડતા મારી નજર નહેરૂચાચાના નામથી જાણીતા ઉદ્યાનના હરિયાળા પટ્ટા ઉપર પડી એટલે મારી પાંખોમાં બમણું જોર આવ્યું.

મેં સાવચેતીથી મારા માળા તરફ વળાંક લીધો અને પેલા ગુલમહોર અને નીલગીરીના વૃક્ષોની વચ્ચે થઈ મારા માળા તરફ વધ્યો,ત્યાંજ મારા પગમાં કઈક ભેરવાયું  અને મને જબરજસ્ત આંચકો લાગ્યોં.જોયું તો સોનેરી રંગનો ચમકતો દોરો.ગભરાઈને વધૂ જોરથી પાંખો વીંઝીં કે દોરાને તોડીને ઉડી જાઉં,ત્યાં તો દોરો મારા પગને જકડી વળ્યો.મારૂ આખું શરીર ઊંધૂ થઈ દોરા વડે નીલગીરીના વૃક્ષની એક ટોચની ડાળ  સાથે જઈને પછડાયું.

દોરો કાઢવાની કોશીષમાં દોરો પાંખમાં ભેરવાયો .મારૂ બધૂ જ જોર લગાવી મેં દોરો ખેંચ્યો ત્યાં દોરો જાણે લાંબો થતો હોય તેમ વધ્યો અને ફરી મારી પાંખને  વૃક્ષ તરફ ખેંચી ગયો,અને ‘ખચ્ચ્‌’ કરી મારા ખભામાં ચીરો કરી ઊંડે ઉતરી ગયો.મારા જ લોહીની પિચકારીથી મારું શરીર તર થઈ ગયું.મારૂં જોર ખૂટ્યું અને સામેની જ અભરાઈએ આવેલા મારા માળાથી માત્ર થોડી જ દૂર નીલગીરીના વૃક્ષની ટોચ પર હું ઊંધે માથે લોહી નિકળતી હાલતમાં નિસહાય થઈ લટકી પડ્યોં.મારી આંખોમાંથી તેજ ઓછું થવા લાગ્યું અને હું બેહોશ થઈ ગયો.

આંખ ખુલી ત્યાંરે હું હોસ્પિટલમાં હતો.મારી પાંખો આખા શરીર ફરતે વિટાળેલા સફેદ પાટામાં દબાયેલી હતી અને ખભા પરથી લોહી નિકળીને ગંઠાઈ ગયું હતું.દર્દ તો અસહ્ય એટલું કે જાણે હું બેહોશ થઈ જઈશ એમ લાગ્યું.હું રડી ઉઠ્યો.મારા પરિવારજનો યાદ આવ્યા, પણ અફસોસ હું ઉડવાને અસમર્થ હતો.

ત્યાંજ બે માણસો મારી નજીક આવ્યા.મેં એમને કહેતા સાંભળ્યા કે …આ પારેવું ચોપાટીના પેલા નીલગીરીના ઊંચા વૃક્ષ પર ‘નાયલોન’ દોરામાં લટકી પડ્યું હતું.રોજ સવારે મોર્નિંગવૉક કરવા આવતા પેલા દાદાજીઓને નજરે ચડ્યું અને તેમણે ‘પ્રયાસ’ સંસ્થાની હેલ્પલાઈન પર ફોન કર્યો. ‘પ્રયાસ’ના સ્વયંસેવકો ફાયરબ્રિગેડના જવાનો સાથે ઊંચી સીડી લઈને ઘસી ગયા અને મહામહેનતે આને બચાવ્યું છે. પણ તેની જમણી પાંખના ખભાનું હાડકું કપાઈ ગયું છે. ઘા રૂઝાતા  બે મહિના તો થઈ જશે પણ હવે આ ક્યાંરેય ઉડી નહીં શકે.

મારૂં જીવન જાણે નર્ક થઈ ગયું.મારા વગર વિલખતા મારા પરિવારજનો ,મારા નાના ભૂલકા અને મારી જીવનસંગિની બધા જ મને ખૂબ યાદ આવે છે.હું કેવી રીતે આ માણસોને સમજું ? એક કાપે અને બીજો બચાવે ? અને હું કેવી રીતે આ માણસોને સમજાવવું ? કે પંખીની તો પાંખ જ તેનું જીવન.

હું સુનમુન ઉદાસ હોસ્પિટલની ઓરડીમાં રહેવા માંડ્યો.મને જરૂરી સારવાર તથા ખવાપીવા મળવા માંડ્યું એટલે પાંખનો ઘા તો રૂઝાઈ ગયો,પણ મારી ઉડાન છીનવાય જવાથી હ્રદય પરનો ઘા કેવી રીતે ભરાય ! અને વળી મારા પરિવારજનોથી વિખૂટા પડવાનો આઘાત , છે કોઈ દવા ?

‘પ્રયાસ’ના સ્વયંસેવકોને ફરીથી આ પંખીઓના કતલના દિવસ ‘ઉત્તરાયણ’ માં હજારો પંખીઓને બચાવવાની તડામાર તૈયારીઓ જોઈ મનમાંથી એક જ આજીજી ઊઠે છે…

જો ફરી ચોપાટી માંથી કૉલ આવે તો જરા પેલા નીલગીરીની વૃક્ષની સામેના મકાનની અભરાઈ પર નજર કરશો ? મારી જીવનસંગિની અને મારા નાનાં ભૂલકાં..!

««««««««««««««««««««««««««««««««««««««««««««»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»

આ પ્રતિજ્ઞા અવશ્ય કરો :

  • પતંગ ચગાવી કોઇ નિર્દોષ વ્યક્તિ કે પંખીના મોતનું કારણ નહીં બનીશ.
  • કાચવાળો દોરો નહીં વાપરીશ.
  • ચાયનીઝ (નાયલોન) દોરો નહીં વાપરીશ.
  • ઉત્તરાયણ પછી ઘરની અગાશી તેમજ આસપાસના વૃક્ષો પરથી પતંગના દોરા ખેંચી લઈ સફાઈ કરીશ.

ઉત્તરાયણમાં દોરાથી ઘાયલ અથવા લટકતું પક્ષી દેખાય તો સંપર્ક કરો :

હેલ્પલાઈન નંબર :-  ૯૮૨૫૧ ૧૯૦૮૧

(પ્રયાસ) વેબસાઈટ :- http://www.prayas-india.org

આર્ટિકલ સ્ત્રોત :- ‘પ્રયાસ’ સંસ્થા (PDF file)

ગુજરાત અસ્મિતા મંચ (તસ્વીર બોલે છે)

સુરતના રીંગરોડ પર ઠેર ઠેર નીચે મુજબના બેનરો  ચોંટાડવામાં આવ્યા છે.

This slideshow requires JavaScript.

વિણેલા મોતી

*મારા જેવા અલ્પાત્માને માપવા સારુ,સત્યનો ગજ કદી ટુકો ન બનો

-મહાત્મા ગાંધી


*જેહના ભાગ્યમાં જે સમે, જે લખ્યુ ,તેહને તે સમે તે જ પહોચે.

-નરસિંહ મહેતા


*બકરીની જેમ સો વર્ષ જીવવા કરતાં એક પળ પણ સિંહની જેમ જીવવું બહેતર છે

-ટીપુ સુલતાન


*હું માનવી માનવ થાઉં તો ઘણુ

-સુન્દરમ્‌


*કઠોર પરીશ્રમનો કોઈ વિકલ્પ નથી

-ઈન્દિરા ગાંધી


*એક મૂરખને એવી ટેવ,પથ્થર એટલા પૂજે દેવ

-અખો


*અસત્યો માહેથી ,પ્રભુ પરમ સત્યે તુ લઈ જા

-નાનાલાલ


*મારે મન ઈશ્વર એ સત્ય છે અને સત્ય એ જ ઈશ્વર છે

-મહાત્મા ગાંધી


*સૌન્દર્યો પામતા પહેલા સૌન્દર્ય બનવુ પડે

-કલાપી


*કંઈ લાખો નિરાશા અમરમાં આશા છુપાઈ છે

-બાળાશંકર


*દરેક બાળક એવો સંદેશ લઈને આવે છે કે ભગવાન હજુ માણસથી નિરાશ નથી થયા

-રવિન્દ્રનાથ ટાગોર


*હું મારા અંતરાત્માને ખુશ રાખવા ઈચ્છુ છુ કે જે ભગવાન છે

-મહાત્મા ગાંધી


*જાહેર જીવન સાથે સંકળાયેલા લોકોની ટીકા એ તો સમાજની જાગૃતિની નિશાની છે.

-જવાહરલાલ નેહરુ


*મૃત્યુ એ અંત નથી કે અડચણ નથી,પરંતુ નવા પગથિયાઓની નવી શરૂઆત છે

-ડૉ.રાધાકૃષ્ણન્‌


*માણસના વિકાસ માટે જીવન જેટલુ જ જરુરી મૃત્યુ છે

-મહાત્મા ગાંધી


*જ્યાં ડર નથી,ત્યાં ધર્મ નથી

-મહાત્મા ગાંધી


*દર્શન,ધર્મ અને વિજ્ઞાન એ ત્રણેના સમાયોગથી જ માનવી પરિપૂર્ણ બને છે

-આચાર્ય રજનીશ


*જ્યારે તમે અનુભવો છો કે તમે કંઈ જાણતા નથી, ત્યારે તમે શીખવા માટે તૈયાર થાઓ છો

-મધર ટૅરેશા


*જ્ઞાન એકતા તરફ અને અજ્ઞાનતા ભિન્‍નતા તરફ લઈ જાય છે

-રામકૃષ્ણ


*ક્ષમા એ સિપાહીનું ઘરેણુ છે

-મહાત્મા ગાંધી


*ચાલો આપણે ભગવાનથી ગભરાઈએ અને માણસથી ગભરાવાનું બંધ કરીએ.

-મહાત્મા ગાંધી

ગુજરાતી સાહિત્યના જ્યોતિર્ધરો

ગુજરાતી સાહિત્યના જ્યોતિર્ધરો

*કલિકાલસર્વજ્ઞ- હેમચંદ્રાચાર્ય

જન્મ – ૧૦૮૯ ,મૃત્યુ – ૧૧૭૩ ,જન્મસ્થળ – ધંધુકા

કૃતિઓ – સિદ્ધહૈમ (વ્યાકરણ),અભિધાનચિંતામણિ(કોશ),કાવ્યાનુશાસન (અલંકારશાસ્ત્ર),છંદનુશાસન (છંદશાસ્ત્ર),પ્રમાણમીમાંસા (ન્યાયશાસ્ત્ર),દ્ધયાશ્રય (સંસ્કૃત અને પ્રાકૃત).

***************************************************

*ગુજરાતી ભાષાનો આદિકવિ -નરસિંહ મહેતા

જન્મ-૧૪૧૪, મૃત્યુ –૧૪૮૦,જન્મસ્થળ –તળાજા

કૃતિઓ-સુદામાચિત્ર,દાણલીલા,ચાતુરીઓ(ભક્તિ રચનાઓ),પુત્રવિવાહ,હૂંડી,કુંવરબાઈનું મામેરુ.

પદો –અખિલ બ્રહ્માંડમાં,નીરખને ગગનમાં,વૈશ્ર્ણવજન તો તેને કહીએ,મેહુલો ગાજે ને માધવ નાચે,વારી જાઉં રે સુંદર શ્યામ.

***************************************************

*જનમ જનમની દાસી -મીરાં

જન્મ-૧૪૯૯,મત્યુ-૧૫૪૭ ,જન્મસ્થળ-મેડતા(મારવાડ)

કૃતિઓ- રામ રમકડુ જડિયુ રે,હાં રે કોઈ માધવ લો,લેને તારી લાકડી,પગ ઘૂંઘરું બાંધ મીરાં નાચી રે,વૃદાવન કી કુંજગલન મેં,હેરી મેં તો પ્રેમદીવાની,રાણાજી હું તો ગિરધરને મન ભાવી,નરસિંહ રા માહ્યરા,સત્યભામાનું રૂસણું.

**********************************************

*જ્ઞાનનો વડલો- અખો

જન્મ –૧૫૯૧ ,મૃત્યુ-૧૬૫૬,જન્મસ્થળ-જેતલપુર

કૃતિઓ-પંચીકરણ,ગુરુશિષ્ય સંવાદ,અનુભવબિંદુ,અખેગીતા,કૈવલ્યગીત,બાર મહિના,સાખીઓ,ચિત્તવિચારસંવાદ,કૃષ્ણ ઉદ્ધવ સંવાદ

ભક્તિ સભર રચનાઓ-આજ આનંદ મારા અંગમાં ઉપન્યો,શાં શાં રૂપ વખાણું સંતો.

*************************************************

*મહાકવિ -પ્રેમાનંદ

જન્મ-૧૬૩૬,મૃત્યુ-૧૭૩૪,જન્મસ્થળ-વડોદરા

કૃતિઓ- નરસિંહ મેહતા સંબંધી મામેરુ,હૂડી,શ્રાદ્ધ,હારમાળા અનેબીજી રચનાઓ,રણયજ્ઞ,અભિમન્યુ આખ્યાન,સુદામાચરિત,સુધન્વા આખ્યાન,સુભદ્રાહરણ,ઓખાહરણ,દશમસ્કંધ,વિવેક વણજારો.

***************************************************

*પહેલો વાર્તાકાર – શામળ

જન્મ – ૧૬૯૪ ,મૃત્યુ- ૧૭૬૯ , જન્મસ્થળ –અમદાવાદ

કૃતિઓ – પદ્માવતી,ચંદ્રચંદ્રાવતી,નંદબત્રીસી,મદનમોહન,સિંહાસનબત્રીસી,સૂડાબહોતેરી,બરાસકસ્તુરી,શિવપુરાણ,રાવણમંદોદરી સંવાદ,રણછોડજીના શ્લોકો,છપ્પાઓ.

**************************************************

*ભક્તકવિ -દયારામ

જન્મ – ૧૭૭૫,મૃત્યુ – ૧૮૫૩ ,જન્મસ્થળ – ડભોઈ

કૃતિઓ – રસિક વલ્લભ,ભક્તિપોષણ,રુકમણી વિવાહ,અજામિલ આખ્યાન,પ્રેમરસગીતા,શ્રીકૃષ્ણનામમાહાત્મ્ય,શોભા સલૂણા શ્યામની,શ્યામ રંગ સમીપે ન જવું , ઋતુવર્ણન.

*******************************************************

*યુગવિધાયક નિર્ભય સર્જક -નર્મદ

જન્મ- ૨૪-૮-૧૮૩૩ ,મૃત્યુ- ૨૫-૨-૧૮૮૬ ,જન્મસ્થળ- સુરત

કૃતિઓ- નર્મકવિતા,નર્મગદ્ય,પિંગળપ્રવેશ,અલંકારપ્રવેશ,નર્મકોશ,મારી હકીકત,રાજ્યરંગ,કૃષ્ણકુમારી,શ્રી દ્રૌપદી દર્શન,સીતાહરણ,શ્રી સારશાકુન્તલ,કવિ અને કવિતા,કવિચરિત્ર,સજીવારોપણ.

******************************************************

*સુરતાની વાડીનો મીઠો મોરલો – સુરસિંહજી ગોહિલ ‘કલાપી’

જન્મ- ૧૬-૦૧-૧૮૭૪ ,મૃત્યુ – ૧૦-૦૬-૧૯૦૦ ,જન્મસ્થળ – લાઠી

કૃતિઓ- કલાપીનો કેકારવ,કલાપીની પત્રધારા,કશ્મીરનો પ્રવાસ,માયા અને મુદ્રિકા(નવલકથા),હમીરજી ગોહિલ,હદયત્રિપુટી,ભરત (ખંડકાવ્ય)

******************************************************

*સવાઈ ગુજરાતી – દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર ‘કાકાસાહેબ’

જન્મ – ૧-૧૨-૧૮૮૫,મૃત્યુ – ૨૧ -૦૮-૧૯૮૧ ,જન્મસ્થળ – સતારા

કૃતિઓ – ઓતરાદી દીવાલો,જીવનનો આનંદ,રખડવાનો આનંદ,જીવનલીલા,હિમાલયનો પ્રવાસ,જીવનભારતી,પૂર્વરંગ,જીવનસંસ્કૃતિ,જીવનચિંતન,જીવતા તહેવારો,ગીતા ધર્મ,જીવન પ્રદીપ,સ્મરણયાત્રા.

*******************************************************

*સ્વપ્નદ્રષ્ટા – કનૈયાલાલ મુનશી

જન્મ – ૩૦-૧૨-૧૮૮૭ ,મૃત્યુ – ૮-૦૨-૧૯૭૧,જન્મસ્થળ- ભરુચ

કૃતિઓ – વેરની વસૂલાત,કોનો વાંક?,સ્વપ્નદ્રષ્ટા,તપસ્વિની,પાટણની પ્રભુતા,ગુજરાતનો નાથ,જય સોમનાથ,કૃષ્ણાવતાર ખંડ ૧-૮,લોપામુદ્રા,કાકાની શશી,ધ્રુવસ્વાનિમી દેવી,ગુજરાતની અસ્મિતા.

******************************************************

*ટૂંકી વાર્તાનો કસબી -ગૈરીશંકર જોશી ‘ધૂમકેતુ’

જન્મ – ૧૨-૧૨-૧૮૯૨,મૃત્યુ – ૧૧-૦૩-૧૯૬૫,જન્મસ્થળ – વિરપુર

કૃતિઓ – તણખા,ત્રિભેટો,વનવેણુ,સાંધ્યરંગ,વાર્તારત્નો,પથ્વીશ,ચૈલાદેવી,આમ્રપાલી,મહામાત્ય ચાણક્ય,ધ્રુવદેવી,ઈતિહાસની તેજમૂર્તિઓ,જિબ્રાનની જીવનવાણી,જીવન સ્વપ્ન.

******************************************************

*કસુંબલ રંગનો ગાયક -ઝવેરચંદ મેઘાણી

જન્મ –૧૭ – ૦૮ – ૧૮૯૬ ,મૃત્યુ – ૦૯ -૦૩ -૧૯૪૭ ,જન્મસ્થળ – ચોટીલા

કૃતિઓ –સૌરાષ્ટ્રની રસધાર,સોરઠી બહારવટિયા,સોરઠ તારાં વહેતાં પાણી,વસુંધરાનાં વહાલાંદહલાં,તુલસીક્યારો,વેવિશાળ,પ્રભુપધાર્યા,માણસાઈના દીવા,રાણો પ્રતાપ,શાહજહાં,કંકાવટી,રઢિયાળી રાત,યુગવંદના,કુરબાનીની કથાઓ,સોરઠી સંતો,રવીન્દ્ર વીણા.

****************************************************

*જોશ અને કુમાશનું મિલન -ત્રિભુવનદાસ લુહાર ‘સુન્દરમ્‌”

જન્મ – ૨૨ -૦૩-૧૯૦૮ ,મૃત્યુ – ૧૩ -૦૧ -૧૯૯૧ ,જન્મસ્થળ – મિંયા-માતર(ભરુચ જીલ્લો)

કૃતિઓ – કાવ્યમંગલા,વસુધા,યાત્રા (કવિતા),હીરાકણી અને બીજી વાતો,પિયાસી,ઉન્‍નયન(નવલિકા),અર્વાચીન કવિતા,સાહિત્યચિંતન(વિવેચન),પાવકનાં પંથે(નવલકથા),વાંસતી પૂર્ણિમા (નાટક),દક્ષિણાયન(પ્રવાસ).

********************************************************

*વિશ્વશાંતિનો કવિ – ઉમાશંકર જોશી

જન્મ – ૨૧ -૦૭-૧૯૧૧ , મૃત્યુ – ૧૯ -૧૨-૧૯૮૮ , જન્મસ્થળ – બામણા (ઉ.ગુજરાત)

કૃતિઓ – વિશ્વશાંતિ,ગંગોત્રી,નિશીથ,આતિથ્ય,અભિજ્ઞા,ધારાવસ્ત્ર(કવિતા),શ્રાવણી મેળો,ત્રણ અર્ધુ બે (નવલિકા),સાપના ભારા,શહિદ (એકાંકી)ઉઘાડી બારી,ગોષ્ઠિ(નિબંધ),તંત્રી-બુદ્ધિપ્રકાશ

***************************************************

*સાહિત્ય જગતનો ચમત્કાર – પન્‍નાલાલ પટેલ

જન્મ – ૦૭ – ૦૫ – ૧૯૧૨, મૃત્યુ – ૦૬ -૦૪ -૧૯૮૯,જન્મસ્થળ –માંડલી

કૃતિઓ – મળેલા જીવ,માનવીની ભવાઈ,ના છૂટકે,પાછલે બારણે,નવું લોહી,પડઘા અને પડછાયા,પાર્થને કહો ચડાવે બાણ(નવલકથા),જીવો દાંડ,પાનેતરના રંગ,ચીતરેલી દીવાલો (નવલીકા)અલપઝલપ(આત્મકથા).

-નવનીત જનરલ નૉલેજ પુસ્તકમાંથી

%d bloggers like this: